to pan ghanun - Ghazals | RekhtaGujarati

તો પણ ઘણું

to pan ghanun

પ્રણવ પંડ્યા પ્રણવ પંડ્યા
તો પણ ઘણું
પ્રણવ પંડ્યા

સાંજમાં સ્મરણો સમી ઘટના મળે તો પણ ઘણું,

ભેજવાળી આંખને સપનાં મળે તો પણ ઘણું.

મારી, તારી કે ખુદાની છે કશોયે ફર્ક ક્યાં,

શહેરની ગલીઓ ને બસ અફવા મળે તો પણ ઘણું.

એમના આવી મળ્યાની વાત બાજુ પર રહી,

મળ્યાની જીવને ભ્રમણા મળે તો પણ ઘણું.

કોણ સગપણની સપાટી સ્પર્શથી સાંધી શકે?

લાગણીના એક-બે ટાંકા મળે તો પણ ઘણું.

હું તને સાદ દઈને સાવ સૂનો થઈ ગયો,

કોઈ સન્નાટો ને બે પડઘા મળે તો પણ ઘણું.

સ્રોત

  • પુસ્તક : શબ્દસૃષ્ટિ - ડિસેમ્બર 2008 (પૃષ્ઠ ક્રમાંક 88)
  • સંપાદક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2008