રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોતે છતાં ‘હું કોણ છું?’ એ પ્રશ્ન તો ઊભો જ છે
te chhataa 'hun koN chhu?' ae prashna to uubho ja chhe
હું હવાની જેમ ચારેકોર લ્હેરું,
તે છતાં ‘હું કોણ છું?’ એ પ્રશ્ન તો ઊભો જ છે.
થાય મન તો હું વળી દરિયાય પ્હેરું,
તે છતાં ‘હું કોણ છું?’ એ પ્રશ્ન તો ઊભો જ છે.
લોક રાખે ઇનામો કેટલાં મારા ઉપર,
એ વાતની તમને કશી ક્યાં છે ખબર?
શોધવું મુશ્કેલ છે મારું પગેરું,
તે છતાં ‘હું કોણ છું?’ એ પ્રશ્ન તો ઊભો જ છે.
જીવતામાં જીવ છું હું ને મરેલામાં મરણ
એવી જ છે કૈં વાયકા મારા વિશે,
ક્યાંય પણ મારું નથી એક્કેય દે’રું,
તે છતાં ‘હું કોણ છું?’ એ પ્રશ્ન તો ઊભો જ છે.
ગૂંચવીને વાતને છેવટ ઉકેલી નાખવી
એની રમત ગમતી મને, ને એટલે–
આંધળે કૂટાય છે ક્યારેક બ્હેરું,
તે છતાં ‘હું કોણ છું?’ એ પ્રશ્ન તો ઊભો જ છે.
ગીતમાં હું લય બની લ્હેર્યા કરું છું,
ને ગઝલમાં ગાલગાગા ગાલગાગા ગાલગા,
વેદનાઓ પાઈને વૃક્ષો ઉછેરું,
તે છતાં ‘હું કોણ છું?’ એ પ્રશ્ન તો ઊભો જ છે.
હું જ છું કે જે નશામાં ચૂર થઈને
છેક ઈશ્વરના ચરણ પાસે જતો ને આખરે,
કોઈની શ્રદ્ધા તણું શ્રીફળ વધેરું,
તે છતાં ‘હું કોણ છું?’ એ પ્રશ્ન તો ઊભો જ છે.
સ્રોત
- પુસ્તક : તારીખ–વાર સાથે (પૃષ્ઠ ક્રમાંક 71)
- સંપાદક : અનિલ વાળા
- પ્રકાશક : ડિવાઇન પબ્લિકેશન્સ
- વર્ષ : 2009