swman kaheshe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સ્વમાન કહેશે

swman kaheshe

શવકીન જેતપુરી શવકીન જેતપુરી
સ્વમાન કહેશે
શવકીન જેતપુરી

વફાની વાતો નિગાહ કહેશે, જફાની વાતો જહાન કહેશે,

મચી જશે તો પ્રણયમાં હલચલ હૃદયની વાતો જબાન કહેશે.

નિશાના પર જઈ નિહાળી લેજો અમારી તાકાત, અમારાં જૌહર,

અમે તો તીરો છીએ અમારી શું વાતો તમને કમાન કહેશે.

અમે જો કહીએ તો માનશો ના પૂછો અમને અમે ના કહેશું,

સ્વમાની કેવા હતા જીવનમાં તમોને તો સ્વમાન કહેશે.

બળેલા અવશેષ માળાઓના હટાવી લેવા દો એને સહચર,

પછી ચમનમાં દયાની વાતો દયાળુ થઈ બાગબાન કહેશે.

અમારું યૌવન, અમારી મસ્તી, વફા અમારી, દયા અમારી,

ભરોસામાં લઈને લૂંટનારા તમોને શું પાસબાન કહેશે.

તરીને મઝધાર આવ્યા ‘શૌકીન’ પરંતુ ડૂબ્યા કિનારે પહોંચી,

મળ્યા'તા કેવા સુકાની અમને, તૂટેલાં તમને સુકાન કહેશે.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 237)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4