sundar jiwanni yojna aawi chhe dhyanman - Ghazals | RekhtaGujarati

સુંદર જીવનની યોજના આવી છે ધ્યાનમાં

sundar jiwanni yojna aawi chhe dhyanman

મરીઝ મરીઝ
સુંદર જીવનની યોજના આવી છે ધ્યાનમાં
મરીઝ

સુંદર જીવનની યોજના આવી છે ધ્યાનમાં,

આવી જજો આપ ફરી દરમિયાનમાં.

પૂરી તું કર નમાઝ અગર હોય ભાનમાં,

શેખ! મસ્ત થઈ ગયો હું તો અઝાનમાં.

બસ એટલી કમી છે કોઈ મહેરબાનમાં

હો લાખ પ્રેમ તોય રહે છે સ્વમાનમાં.

એને જીવન સમજ બુઢાપામાં કે ખુદા!

જેણે વિતાવી હોય જવાની ગુમાનમાં.

કોઈ સહાય દેશે શ્રદ્ધા નથી મને,

શંકાનું હો ભલું કે રહું છું સ્વમાનમાં.

સંભાળ દાનવીર કે પાછળથી થાય છે,

પસ્તાવો કંઈક વાર અપાયેલા દાનમાં.

એને છુપાવીએ તો કથા દિલપઝીર હો,

એવાય છે પ્રસંગ જીવન દાસ્તાનમાં.

એમાંથી જો ઊખેડે તો આભાર, હરીફ,

સંતોષ ખુદ મનેય નથી મારા સ્થાનમાં.

કુદરતનું રમ્ય મૌન ઘડીભર મને મળે,

કરવી છે કંઈક વાત તમારી ઝબાનમાં.

દિલના દર્દ, જોઈએ એવી વિચિત્રતા,

ખુદ એમનાથી ભૂલ હો જેના નિદાનમાં.

ઉપરથી જો જુઓ તો હું રઝળું છું ચોતરફ,

જાણે છે કોણ! હું છું હજી મારા સ્થાનમાં.

મારા પ્રણયનો કિસ્સો નહીં આપને કહું,

ડર છે મને કે આપ રહો કોના ધ્યાનમાં.

એનો હિસાબ થાશે ક્યામતના દિવસે,

ચાલે છે એવું ખાતું સુરાની દુકાનમાં.

ઇજ્જત શું કે જેનો સ્થિતિ પર મદાર હો,

દુનિયાથી પર બને તે રહે છે સ્વમાનમાં.

આગળ જતાં ખૂનનાં આંસુ બની ગયાં,

ખૂન જે રહી શક્યું ખાનદાનમાં.

તોફાન ક્યાં જગતના અને ક્યાં અમે ‘મરીઝ’,

દરિયાનું જોર ખાલી થયું છે સુકાનમાં.

હો ગુર્જરીની ઓથ કે ઉર્દૂની ‘મરીઝ',

ગઝલો ફક્ત લખાય છે દિલની ઝબાનમાં.

સ્રોત

  • પુસ્તક : સમગ્ર મરીઝ (પૃષ્ઠ ક્રમાંક 32)
  • સંપાદક : રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2009