kaymi piDa mane ten sankhwanun kaam sompyun - Ghazals | RekhtaGujarati

કાયમી પીડા મને તેં સાંખવાનું કામ સોંપ્યું

kaymi piDa mane ten sankhwanun kaam sompyun

અનિલ ચાવડા અનિલ ચાવડા
કાયમી પીડા મને તેં સાંખવાનું કામ સોંપ્યું
અનિલ ચાવડા

કાયમી પીડા મને તેં સાંખવાનું કામ સોંપ્યું;

આગ કાગળના પડીકે બાંધવાનું કામ સોંપ્યું.

છું પ્રથમથી શ્વાસનો રોગી અને પાછું ઉપરથી,

તેં સતત એવું સતત કૈં હાંફવાનું કામ સોંપ્યું.

જળ ભરેલું પાત્ર હો તો ઠીક છે સમજ્યા પરંતુ,

કામ સોંપ્યું એય દરિયા ઢાંકવાનું કામ સોંપ્યું?

વસ્ત્ર સાથે સર્વ ઇચ્છા પણ વણાવી જોઈએ હોં,

એક ચરખો દઈ મને તેં કાંતવાનું કામ સોંપ્યું.

દઈ હથોડી હાથમાં બસ આંગળી ચીંધી બતાવી,

ને સમયનો પિંડ આખ્ખો ભાંગવાનું કામ સોંપ્યું.

સ્રોત

  • પુસ્તક : સવાર લઈને (પૃષ્ઠ ક્રમાંક 36)
  • સર્જક : અનિલ ચાવડા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2012