dharti upar magi - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ધરતી ઉપર માગી

dharti upar magi

મુકબિલ કુરૈશી મુકબિલ કુરૈશી
ધરતી ઉપર માગી
મુકબિલ કુરૈશી

તમારી યાદમાં રણની રજેરજ તરબતર માગી,

ફૂલો પાસે જઈ-જઈને તમારી નિત ખબર માગી.

મોહબ્બતમાં અમે ચાર વસ્તુ ઉમ્રભર માગી,

જિગર માગ્યું, નજર માગી, અસર માગી, સબર માગી.

ખરેખર સમયની પણ બલિહારી છે, હે જીવન!

ચમન પાસે અમે તો ભરવસંતે પાનખર માગી.

ઊઠ્યા ના હાથ પૂરા ત્યાં તો મંજૂર પણ થઈ ગઈ,

ખરેખર મુજ દુઆ કાજે ભલા કોકે અસર માગી.

ધરા ત્યાગી શકાયે ના, રગેરગ લૂણ છે એનું,

અમે જન્નત-જહન્નમ બેય ધરતી ઉપર માગી.

બતાવી માર્ગ કોઈને જીવન-સિદ્ધિવરી લીધી,

વિલયને નોતરી લીધો, સિતારાએ સહર માગી.

મુકદરને સદા આગળ ધરે છે માનવી ત્યારે,

મળે છે જિંદગીમાં જ્યારે કો' વસ્તુ વગર-માગી.

નવાઈ શી કોઈ પાગલ ગણી ‘મુકબિલ!' તિરસ્કારે,

અમે બેકદર દુનિયા કને સાચી કદર માગી.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 197)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4