raDawyo chhe mane - Ghazals | RekhtaGujarati

રડાવ્યો છે મને

raDawyo chhe mane

બરકત વીરાણી 'બેફામ' બરકત વીરાણી 'બેફામ'
રડાવ્યો છે મને
બરકત વીરાણી 'બેફામ'

હૃદય, તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને?

જે નથી મારાં બન્યાં, એનો બનાવ્યો છે મને!

સાથ આપો કે આપો ખુશી છે આપની,

આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને.

સાવ સહેલું છે, તમે પણ રીતે ભૂલી શકો;

કે તમારા પ્રેમમાં મેં તો ભુલાવ્યો છે મને.

લ્યો કહો-સુખ આપનારાં કેટલાં ઓછા હશે?

લોકો યાદ છે જેણે હસાવ્યો છે મને.

હોત દરિયો તો હું તરવાનીય તક પામી શકત,

શું કરું કે ઝાંઝવાંઓએ ડુબાવ્યો છે મને.

કાંઈ નહોતું છતાં સૌએ મને લૂંટી ગયા,

કાંઈ નહોતું એટલે મેં પણ લૂંટાવ્યો છે મને.

બધાંનાં નામ દઈ મારે નથી થાવું ખરાબ,

સારાં સારાં માનવીઓએ સતાવ્યો છે મને.

તાપ મારો જીરવી શકતાં નથી પણ હવે,

લઈ હરીફોની મદદ જેણે જલાવ્યો છે મને.

છે હવે સૌને મારો ઘાટ ઘડવાની ફિકર,

શુદ્ધ સોના જેમ જેઓએ તપાવ્યો છે મને.

સ્રોત

  • પુસ્તક : કેટલું થાકી જવું પડ્યું...(ચૂંટેલી ગઝલો) (પૃષ્ઠ ક્રમાંક 47)
  • સંપાદક : ડૉ. એસ. એસ. રાહી
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2022