thai gai - Ghazals | RekhtaGujarati

પ્રણયમાં આમ મારા પર કઈ દૈવી કૃપા થઈ ગઈ?

કે વાણીથી વહી ગઈ કવિતાઓ ઋચા થઈ ગઈ!

અહીં લીધું છે શું કોનું, શું કોને આપવું પાછું?

હિસાબ રાખવામાં જો જીવનની શી દશા થઈ ગઈ!

હતી નિશ્વિંત કે ક્યાંય ન’તા અણસાર આંધીના

ઘરેથી નીકળી શું, ધૂંધળી સઘળી દિશા થઈ ગઈ!

પ્રણયની તરસના દાખલા, કોને છે સમજાયાં?

તરસ છીપાઈને પણ બેવડાયેલી તૃષા થઈ ગઈ!

ક્યાં એને આવડે પણ છે કે દુઃખોને સહેલાવે?

દરદ દેતાં રહ્યાં એમાં દર્દની સુશ્રુષા થઈ ગઈ!

સ્રોત

  • પુસ્તક : રેખ્તા ગુજરાતી માટે કવિએ પોતે પસંદ કરેલી કૃતિ.