pariprekshya - Ghazals | RekhtaGujarati

પરિપ્રેક્ષ્ય

pariprekshya

સ્નેહલ જોષી સ્નેહલ જોષી
પરિપ્રેક્ષ્ય
સ્નેહલ જોષી

આ સ્મિત તમારી આંખોનું દત્તકમાં લીધેલું બાળક છે.

આ હોઠ ઉપરની રેખાઓ વિસ્મયમાં ડૂબેલું બાળક છે.

બાળક છે તમારા શબ્દો આ, ભાષા તો નમેલું બાળક છે.

છે આપનો આ વ્યવહાર પ્રથમ દૃષ્ટિએ ગમેલું બાળક છે.

આ ક્રોધ, જે છઠ્ઠો શત્રુ છે, શાસ્ત્રોમાં કહેલું છે એવું;

એ આવે તમારા ચહેરા પર તો તાવ ભરેલું બાળક છે.

એથી જ હકીકત સુંદરતાની ખોઈ છે વારંવાર અહીં;

મારી આ નજરમાં સુંદરતા કાદવમાં પડેલું બાળક છે.

સંપૂર્ણ જગતની શુદ્ધિઓ છે માત્ર તમારી નજરોમાં;

હું તો કહું છું કે નિર્મળતા છાતીએ ચડેલું બાળક છે.

સ્રોત

  • પુસ્તક : સૂર્યનો સંદર્ભ (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સર્જક : સ્નેહલ જોષી
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2010