બાળક પર ગઝલો
માણસનું સંતાન, દસ વર્ષની
વય સુધીના સંતાનને ‘બાળક’ કહી શકાય. બાળકને નિર્દોષ વિશેષણ અચૂક અપાતું હોય છે. વાસ્તવ એ છે કે નાની વય અને ઓછી માહિતી કે ઓછા અનુભવને કારણે બાળકને દોષ એટલે શું એ જ ખબર નથી હોતી. સામાન્ય રીતે બાળકો સહુને વ્હાલા હોય છે. સાહિત્યમાં પણ બાળકો હોવાના જ. જોઈએ અમુક ઉદાહરણ : ઊંઘમાંથી જાગ બાળક, મુઠ્ઠી વાળી ભાગ બાળક. બંધ આંખો ખોલ ઝટપટ, ચોતરફ છે આગ બાળક. (ઊંઘમાંથી જાગ બાળક / ચિનુ મોદી) ** એક બાળક, નામે અભિમન્યુ, – એને તો માના કોઠે જ જિંદગીના પહેલા કોઠે જ ખબર પડી : મહાભારતની દારુણ હવામાં ધરતી ૫૨ જનમવું એ સ્તો છે વસમી ઘડી! માના જ પેટમાં છે વાખા ચોખ્ખા લોહીના, વાખા છે સ્વચ્છ પાણી ને તાજી હવાના. (એક બાળક નામે અભિમન્યુ / ચંદ્રકાન્ત શેઠ) ** “...માતા–પિતા–વડીલોના દર્શન કે શબ્દથી બાળક સલામતી(સિક્યુરિટી)નો ભાવ અનુભવે છે, પણ વિશેષ સલામતી, રક્ષણ તો સ્પર્શથી જ અનુભવે છે. અસલામતીની ક્ષણોમાં બાળક માબાપને વળગી પડે છે, ચોંટી જાય છે. ઇન્જેક્શન લેવા માંડ માંડ તૈયા૨ થતું બાળક માતા કે પિતાને કહેતું હોય છે : ‘તમે મને પકડી રાખો.’ અત્યંત દુઃખથી ક્ષણોમાં માણસના માથે–ખભે–બ૨ડા ૫૨ હાથ મૂકવાથી અને પંપાળવાથી જે આશ્વાસન મળે છે તે શબ્દથી મળતું નથી...’ (સ્પર્શ (નિબંધ) / લાભશંકર ઠાકર) ** “...વાડીલાલને એમ લાગ્યું કે એમના શરીર પરની ભીનાશમાં પાણીની સાથે પરસેવાનું પણ જે કંઈ પ્રદાન હતું એ ઘટી ગયું છે. અન્ય કોઈના બદલે બાળક સાથેની સ્ત્રીથી એમને શાતા વળી. વાડીલાલનો પણ ચહેરો દેખાય, એટલી નજીક ભિખારણ આવી ગઈ. ધૂત્કારવા માટે શબ્દોની પસંદગી વાડીલાલ કરે એ પહેલાં તો ભિખા૨ણે શરૂઆત કરી દીધી. ‘સા’બ, બચ્ચા ભૂખા હૈ.’...” (ખતવણી (વાર્તા) / ઉત્પલ ભાયાણી)