malkay chhe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મલકાય છે

malkay chhe

સાબિર વટવા સાબિર વટવા
મલકાય છે
સાબિર વટવા

અન્ય માટે ખૂન આપી જે અહીંથી જાય છે,

ઝર્દ હો ચહેરો છતાં સુર્ખરૂ કે’વાય છે.

માલદારોના ગુલાબી ગાલ શાને થાય છે?

ખૂનથી મઝદૂરના રૂખસાર રંગાય છે,

દિલતણી કડીઓ મળી જે એક સાંકળ થાય છે,

તો પરાધીન દેશની જંજીર તૂટી જાય છે.

ઝમીં તો માનવીના રક્તથી રાતી હતી,

રક્તના રંગે હવે આકાશ પણ રંગાય છે.

ઝિન્દગીના ભેદ તારી બંધ મુઠ્ઠીમાં હતાં,

શાનથી આવ્યો હતો, તું હાથ ખાલી જાય છે.

ખોલ યારબ લકબધારી ગુલામોનાં નયન,

જોઈને મોહરે ગુલામી બેસમજ મલકાય છે.

વર્ષગાંઠો ઝિન્દગીની દોરને ટૂંકી કરે,

વર્ષગાંઠે બેસમજ શું જોઈને મલકાય છે?

સ્રોત

  • પુસ્તક : ગુજરાતની ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 122)
  • સંપાદક : દી.બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી
  • પ્રકાશક : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
  • વર્ષ : 1942