ગમે ત્યારે હોળી, ગમે ત્યાં દિવાલી
game tyare holii, game tyaan divaalii


અમો પ્રેમીઓના જીવનમાં વસી છે, આ સૌંદર્ય-સૃષ્ટિની જાહોજલાલી;
ધરા છે અમારા હૃદય કેરો પાલવ, ગગન છે અમારા નયન કેરી પ્યાલી.
અમે તો કવિ, કાળને નાથનારા, અમારે તો આઠે પ્રહર છે ખુશાલી;
આ બળબળતું હૈયું, આ ઝગમગતાં નયનો, ગમે ત્યારે હોળી, ગમે ત્યાં દિવાલી!
મરણ ને જીવનનો ઇજારો સમર્પી, ફનાને અમરતાની આપી બહાલી;
સુરક્ષિત રહે એનાં સર્જન-રહસ્યો, એ ખાતર વિધાતા ગયો ચાલ ચાલી!
હજારો પથિક આ તિમિર-ઘેરા પથ પર, વિના તેજ અટવાઈ વલખી રહ્યાં છે!
જલાવી દે જીવન! નયન-દીપ તારાં, બનાવી દે બળતા હૃદયને મશાલી.
કોઈની લગનમાં નયનને નિચોવી, મેં ટપકાવી જે યાદ રૂપે રસેલી;
બની એ પ્રણયની અમરતાનું સ્મારક લઈ તાજની સર્વ જાહોજલાલી.
તિરસ્કૃત જીવન! આ તો છે મૃત્યુ-આંગણ; નથી કોઈના ઘરનો ઉંબર કે ડરીએ!
ગજું શું કે બેઠા પછી કોઈ અહીંથી, ઉઠાડે તને કે મને હાથ ઝાલી?
મને ગર્વ છે કે આ મારી ગરીબી અમીરાતની અલ્પતાઓથી પર છે,
સિકંદરના મર્હૂમ કિસ્મતના સોગંદ, રહ્યા છે જીવનમાં સદા હાથ ખાલી.
તને એકમાંથી બહુની તમન્ના, બહુથી મને એક જોવાની ઇચ્છા;
કરે છે તું પ્યાલામાં ખાલી સુરાહી, કરું છું હું પ્યાલા સુરાહીમાં ખાલી.
બધાં નામનો નાશ નક્કી છે કિંતુ, અમર નામ છે શૂન્ય મારું જગતમાં;
ફના થઈને પણ શૂન્ય રહેવાનો હું તો, નહીં થાય મુજ નામની પાયમાલી.



સ્રોત
- પુસ્તક : કાવ્ય-કોડિયાં – સંપુટ 4 – ‘શૂન્ય’ પાલનપુરીનાં ચૂંટેલાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 1)
- સંપાદક : રાજેન્દ્ર શાહ
- પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ
- વર્ષ : 1982