bhaalnun kumkum shabad, senthe sitaaro shabdno - Ghazals | RekhtaGujarati

ભાલનું કુમકુમ શબદ, સેંથે સિતારો શબ્દનો

bhaalnun kumkum shabad, senthe sitaaro shabdno

મીનાક્ષી ચંદારાણા મીનાક્ષી ચંદારાણા
ભાલનું કુમકુમ શબદ, સેંથે સિતારો શબ્દનો
મીનાક્ષી ચંદારાણા

ભાલનું કુમકુમ શબદ, સેંથે સિતારો શબ્દનો,

ચાલ અડવા હાથ પર કરીએ ઠઠારો શબ્દનો.

સનસનાટીથી ભર્યા અખબાર શી રીઢી મજલ,

'ને ગઝલના ગાન કરતો એકતારો શબ્દનો.

ના હલેસાં, નાવ ના, દીવો નહીં-દાંડી નહીં,

એક ધખના આપની, એક ધ્રુવતારો શબ્દનો.

હાથમાં લઈ હાથ ઝૂલા ઝૂલીએ ‘ને મહાલીએ,

રોજ ઘરને આંગણે મેળો હજારો શબ્દનો.

મૌનનો ગોરંભ તૂટો, ‘ને રણો થાજો લીલાં,

આપણે વરસાદ થઈએ એકધારો શબ્દનો.

કાલ થીજેલાં પડ્યાં'તાં અશ્રુઓ સૂને ખૂણે,

તગતગ્યાં મોતી બની, ખૂલતાં પટારો શબ્દનો.

શબ્દ આપણ કામધેનુ, શબ્દ વૈતરણી નદી,

પાર થાવું શબ્દની, લઈને સહારો શબ્દનો.

સ્રોત

  • પુસ્તક : સાંજને સૂને ખૂણે (પૃષ્ઠ ક્રમાંક 51)
  • સર્જક : મીનાક્ષી ચંદારાણા
  • પ્રકાશક : સાયુજ્ય પ્રકાશન
  • વર્ષ : 2015