aawi gayun hasawun - Ghazals | RekhtaGujarati

આવી ગયું હસવું

aawi gayun hasawun

શેખાદમ આબુવાલા શેખાદમ આબુવાલા
આવી ગયું હસવું
શેખાદમ આબુવાલા

નયનનાં આંસુઓની ધાર પર આવી ગયું હસવું!

મને ત્યારે મારા પ્યાર પર આવી ગયું હસવું!

કિનારે આવીને જ્યારે અચાનક નાવ ડૂબી ગઈ

ઉછાળા મારતા મઝધાર પર આવી ગયું હસવું!

નજરના ભેદ છે કેવા! હસે છે કોણ કોના પર?

મને મારા ઉપર હસનાર પર આવી ગયું હસવું!

મળે એકાંત તો બોલું, મિલનમાં જીભ ના ખોલું;

મને મારા હૃદયના ભાર પર આવી ગયું હસવું!

મને ત્યારે જાણે આંસુઓ પર લાગણી થઈ ગઈ!

જગતને જ્યાં કદી રડનાર પર આવી ગયું હસવું!

મને સાથે લીધો, મંજિલ મળી ત્યારે મૂકી દીધો;

તમારા રમ્ય આભાર પર આવી ગયું હસવું!

જવાની છે : અચલતા છે, અડગતા છે, અટલતા છે!

ચરણમાં કંટકો ધરનાર પર આવી ગયું હસવું!

સનાતન હોય એને કોઈ પણ મારી નથી શકતું!

ઊઠેલી જુલ્મની તલવાર પર આવી ગયું હસવું!

જવાની રૂપ સામે કેટલું ઝૂઝી શકે, બોલો!

મને જીતી ગયેલી હાર પર આવી ગયું હસવું!

ભલે ઠંડો રહ્યો છું, ગર્વ તો તારો થયો ખંડિત!

મને ખાલી ગયેલા વાર પર આવી ગયું હસવું!

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 234)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4