હું શબ્દનો શણગાર છું – તું કોણ છે
hun shabdno shangaar chhun - tun kon chhe

હું શબ્દનો શણગાર છું – તું કોણ છે
hun shabdno shangaar chhun - tun kon chhe
જયન્ત વસોયા
Jayant Vasoya

હું શબ્દનો શણગાર છું – તું કોણ છે
હું અર્થનો અણસાર છું – તું કોણ છે
ઘટના બની તમસા નદીના તીર પર
હું શ્લોકનો અવતાર છું – તું કોણ છે
આ દર્પણોને હું કહું તો શું કહું
હું બિંબ છું પડકાર છું – તું કોણ છે
તું થઈ શકે તો આ અવાજો મ્યાન કર
હું મૌનની તલવાર છું – તું કોણ છે
હોવા પછીનો અર્થ તો જે હોય તે
હું શ્વાસનો હકદાર છું – તું કોણ છે?



સ્રોત
- પુસ્તક : કવિતા : ફેબ્રુઆરી, ૧૯૭૯ (પૃષ્ઠ ક્રમાંક 6)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ