malya - Ghazals | RekhtaGujarati

અફસોસ કેટલાય મને આગવા મળ્યા,

ગાલિબને મારા શેર નથી વાંચવા મળ્યા.

જોવા મળ્યા નથી કે નથી જાણવા મળ્યા,

ઈશ્વર અહીં બધાને ફક્ત ધારવા મળ્યા.

પગ પર ઊભા રહીને જુએ છે બધા મને,

જાણે કે પગ મને ફક્ત ચાલવા મળ્યા.

આંખો મળી છે દૃશ્યને ઝીલી બતાવવા,

ચશ્માં જરાક એમાં મદદ આપવા મળ્યાં.

ઊંચાઈ બેઉમાંથી વધુ કોની હોય છે,

ભેટી પડ્યા ને એવી રીતે માપવા મળ્યા.

રાતો વિતાવવા મળી સાવ એકલા,

ને ભીડની વચાળે દિવસ કાપવા મળ્યા.

તસવીરમાં છે હાથ મિલાવેલી એક ક્ષણ,

ને ક્ષણમાં દૂર હંમેશાં જવા મળ્યા.

સ્રોત

  • પુસ્તક : ભરતકામ (પૃષ્ઠ ક્રમાંક 101)
  • સર્જક : ભરત વિંઝુડા
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2020