લલાટે લેખ છઠ્ઠીના અને તકદીર મુઠ્ઠીમાં
lalaate lekh chhaththiinaa ane takdiir muththiimaan

લલાટે લેખ છઠ્ઠીના અને તકદીર મુઠ્ઠીમાં
lalaate lekh chhaththiinaa ane takdiir muththiimaan
કિસ્મત કુરેશી
Kismat Qureshi

લલાટે લેખ છઠ્ઠીના અને તકદીર મુઠ્ઠીમાં,
જીવન જીવી જવાની છે તો છે તદબીર મુઠ્ઠીમાં.
અગર લાગે છે, તો ખોબો જ એમાં કામ લાગે છે,
નથી ઝિલાતાં કોઈથી નયનનાં નીર મુઠ્ઠીમાં.
હશે કાં આટલી મોટી તે કિંમત બંધ મુઠ્ઠીની?
ખૂલી જ્યાં, જોયું તો ન્હોતું કશુંયે હીર મુઠ્ઠીમાં.
કરી જો લાલ આંખોને, અને મુઠ્ઠી ઉગામી જો,
પછી તારે નહીં લેવી પડે શમશીર મુઠ્ઠીમાં.
દીવાલો દુર્ગની તોડી છે, બોલે છે તવારીખો,
મૂકી છે શક્તિ એવી સર્જકે અકસીર મુઠ્ઠીમાં.
દુઃશાસન પણ પછી તો પાપથી નિજ ખૂબ પસ્તાયો,
કે જ્યારે ના સમાયાં દ્રૌપદીનાં ચીર મુઠ્ઠીમાં.
મને ડર છે કે તો તો મન થશે જકડાઈ જાવાનું,
જો એનાં જુલ્ફની આવી જશે જંજીર મુઠ્ઠીમાં.
નજુમીએ કહ્યું તોયે નથી કિસ્મત મળી અમને,
હથેળીમાં જ અંકિત છે હજી જાગીર મુઠ્ઠીમાં.



સ્રોત
- પુસ્તક : ગુજરાતી કવિતાચયન : ૧૯૯૪ (પૃષ્ઠ ક્રમાંક 31)
- સંપાદક : હરિકૃષ્ણ પાઠક
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 1996