kyarek dhushmani kare, kyarek mitra chhe - Ghazals | RekhtaGujarati

ક્યારેક દુશ્મની કરે, ક્યારેક મિત્ર છે

kyarek dhushmani kare, kyarek mitra chhe

હરીશ ઠક્કર હરીશ ઠક્કર
ક્યારેક દુશ્મની કરે, ક્યારેક મિત્ર છે
હરીશ ઠક્કર

ક્યારેક દુશ્મની કરે, ક્યારેક મિત્ર છે,

જોને ઋણાનુબંધ કેવો વિચિત્ર છે!

તરસાવે તો છે રણ અને વરસાવે તો ગગન,

કેવું અનોખું, લાગણી! તારું ચરિત્ર છે!

ગંગા સુધી જવાય ના તો શી ફિકર તને?

જે આંખથી વહે છે તે સૌથી પવિત્ર છે.

બીજા બધા તો ઠીક છે, મારા સગડ નથી,

મારી ગઝલ શું કોઈનું જીવનચરિત્ર છે?

સહવાસ તારો કેટલો? તો કહે મને!

ડાળી ઉપરનું ફૂલ કે બે બુંદ ઈત્ર છે?

સારું થયું કે હૂબહૂ દોરી નથી શક્યો,

જાણી જતે જેમનું શબ્દચિત્ર છે.

સ્રોત

  • પુસ્તક : કહેવું કશું નથી (પૃષ્ઠ ક્રમાંક 20)
  • સર્જક : હરીશ ઠક્કર
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2012