kyan jai pahonchya - Ghazals | RekhtaGujarati

ક્યાં જઈ પહોંચ્યા

kyan jai pahonchya

સાકિન કેશવાણી સાકિન કેશવાણી
ક્યાં જઈ પહોંચ્યા
સાકિન કેશવાણી

પરસ્પરથી વિખૂટા થઈ જનારા ક્યાં જઈ પહોંચ્યા?

જાણે નાવ ક્યાં પહોંચી, કિનારા ક્યાં જઈ પહોંચ્યા!

વરાળો થઈ તજ્યો સાગર ને વરસી જઈ બન્યાં ઝરણાં,

જીવન મીઠું બના'વા નીર ખારાં ક્યાં જઈ પહોંચ્યા!

ઉલેચ્યાં રૂપ કિરણોએ કોઈ અંતરનાં અંધારાં,

રવિકરણોથી પણ આગળ જનારા ક્યાં જઈ પહોંચ્યા!

ખિલાવી ઉરકળી યુગયુગને મહેકાવી ગયું કોઈ,

જીવન-ખુશબૂ લઈને આવનારા ક્યાં જઈ પહોંચ્યા!

વસંતે લાલિમા વ્યાપી ગઈ મઘમધતાં ફૂલો પર,

અધર પરથી કસુંબલ રંગ તારા ક્યાં જઈ પહોંચ્યા?

ખરી જાવું પડ્યું સુંદર ગગન છોડી સિતારાને,

તમારી આંખના મોઘમ ઇશારા ક્યાં જઈ પહોંચ્યા?

ઉષાની આંખમાં સૂરજ ઊગીને તરવર્યો ‘સાકિન’!

પ્રણય-સાગરમાં સાંજે ડૂબનારા ક્યાં જઈ પહોંચ્યા!

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 238)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4