kalminDh aa maunne kakkawje - Ghazals | RekhtaGujarati

કાળમીંઢ આ મૌનને કક્કાવજે

kalminDh aa maunne kakkawje

અદમ ટંકારવી અદમ ટંકારવી
કાળમીંઢ આ મૌનને કક્કાવજે
અદમ ટંકારવી

કાળમીંઢ આ મૌનને કક્કાવજે

સુન્ન શબ્દાતીતને શબ્દાવજે

ભીંત બારી બારણાં અપલક ઊભાં

સાવ સૂનું આંગણું પગલાવજે

શ્વાસ જેવું તારું સાન્નિધ્ય મળે

એક પળને એ રીતે હોવાવજે

નામ સરનામું હજી પણ એ જ છે

કોક વેળા લાગણી પત્રાવજે

ને પછીથી આ હયાતી મઘમઘે

રોમરોમ સ્પર્શથી પુષ્પાવજે

દાદ ઉર્ફે એક છાનું ડૂસકું

ગમ ગઝલમાં એ રીતે ગઝલાવજે

હોય તારી સાહ્યબી ચારે તરફ

ને મને તું વચ્ચોવચ દૃશ્યાવજે

સ્રોત

  • પુસ્તક : ૭૮૬ ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 172)
  • સર્જક : અદમ ટંકારવી
  • પ્રકાશક : લજ્જા પબ્લિકેશન્સ
  • વર્ષ : 2014