kahevu chhe ketlun ne jaraa pan samay nathii - Ghazals | RekhtaGujarati

કહેવું છે કેટલું ને જરા પણ સમય નથી

kahevu chhe ketlun ne jaraa pan samay nathii

હરીન્દ્ર દવે હરીન્દ્ર દવે
કહેવું છે કેટલું ને જરા પણ સમય નથી
હરીન્દ્ર દવે

કહેવું છે કેટલું ને જરા પણ સમય નથી,

શબ્દો ઘણાબધા છે અને કોઈ લય નથી.

જીવતરના થાક સાથે હું જાગું છું રોજ રોજ,

કલ્પું છું રાતના, સવારે પ્રલય નથી.

શબ્દોનું રૂપ જોઉં છું, વાંચી શકું છું મૌન,

કીર્તિની ક્યાં સ્પૃહા, હવે મૃત્યુનો ભય નથી!

તોફાની સાગરોના ભવર છે વર્તુલો,

કોઈ રૂપાળા હાથે સુહાતાં વલય નથી.

આંખો મળી પહેલાં ને છૂટા પડ્યા પછી,

ભરપૂર પ્રેમ છે : છતાં વચ્ચે પ્રણય નથી.

સ્રોત

  • પુસ્તક : હયાતી (પૃષ્ઠ ક્રમાંક 49)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ
  • વર્ષ : 1984
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ