jem palkawe e pampan aapne palkaiye - Ghazals | RekhtaGujarati

જેમ પલકાવે એ પાંપણ આપણે પલકાઈએ

jem palkawe e pampan aapne palkaiye

હેમંત ધોરડા હેમંત ધોરડા
જેમ પલકાવે એ પાંપણ આપણે પલકાઈએ
હેમંત ધોરડા

જેમ પલકાવે એ પાંપણ આપણે પલકાઈએ

આપણે એથી વધુ આપણને શું સમજાઈએ.

એ લખે કે ના લખે આપણને વહેતા જળ ઉપર

જેટલું એ વાંચે એને એટલું વંચાઈએ.

એને ખળખળવું હો તો પથ્થરમાં પણ એ ખળખળે

આપણે જળમાંય એના ભીંજવ્યા ભીંજાઈએ.

એની મરજી હોય તો સરીએ પાન પરથી ઓસ જેમ

સરતાં સરતાં એને જોવા પળ બે પળ રોકાઈએ.

રંગ કે ફોરમ કે આ કુમળાશની વાત જ નથી

એને ગમીએ એમ ખીલીએ તો ખીલ્યા કહેવાઈએ.

સ્રોત

  • પુસ્તક : અણસાર કેવળ (પૃષ્ઠ ક્રમાંક 53)
  • સર્જક : હેમંત ધોરડા
  • પ્રકાશક : એન. એમ. ઠક્કરની કંપની
  • વર્ષ : 2000