jeern tarni - Ghazals | RekhtaGujarati

જીર્ણ તરણી

jeern tarni

મનોજ ખંડેરિયા મનોજ ખંડેરિયા
જીર્ણ તરણી
મનોજ ખંડેરિયા

નયન માંજીને વિસ્મય આંજવાની આ તો કરણી છે

કલમ છે હાથમાં, શું રંગ-ઝરતી ફૂલ-ખરણી છે.

ચડું છું જે પગથિયાં એક ક્ષણમાં ગૂમ થઈ જાતાં

અને પૂરી ન થાતી કેમે એવી આ નિસરણી છે.

અહીંથી ત્યાં લગી છે પહોંચવાનું કેટલું દુષ્કર

વિરહ છે વસમી વૈતરણી, જીવન પણ જીર્ણ તરણી છે.

મળે છે સ્વચ્છ તડકો-ચાંદની-ઝાકળને વર્ષાજળ

ગગન આખુંય જાણે એક ગળણી નીલ-વરણી છે.

જીવનથી મોક્ષ માગે તું, જીવનને મોક્ષ માનું હું

કે મારી જીવવાની સાવ અલગ વિચારસરણી છે.

હટે ક્યાં આંખથી આકાશ શૈશવની અગાસીનું

હજી પણ લોહીમાં એ ધ્રુવ, સપ્તર્ષિ ને હરણી છે.

કહો આથી વધુ શું જિંદગીમાં જોઈએ બીજું?

ગઝલ છે, ગીર છે, ગિરનાર છે, સોરઠની ધરણી છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતા ચયન 1993 (પૃષ્ઠ ક્રમાંક 35)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1995