jaga sari nathi hoti - Ghazals | RekhtaGujarati

જગા સારી નથી હોતી

jaga sari nathi hoti

બરકત વીરાણી 'બેફામ' બરકત વીરાણી 'બેફામ'
જગા સારી નથી હોતી
બરકત વીરાણી 'બેફામ'

ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી;

કે સારા હોય છે એની દશા સારી નથી હોતી.

ખૂબી તો કે ડૂબી જાવ તો લઈ જાય છે કાંઠે,

તરો ત્યારે સાગરની હવા સારી નથી હોતી.

સિતારા શું કે આવે છે દિવસ રાતો ગણવાના,

હંમેશાંની જુદાઈની દશા સારી નથી હોતી.

જગતમાં સર્વને કહેતા ફરો નહિ કે દુઆ કરજો,

ઘણાં એવાંય છે જેની દુઆ સારી નથી હોતી.

નથી અંધકારમય રસ્તો છતાં ખોવાઈ જાય છે,

સૂરજને પણ સફર માટે દિશા સારી નથી હોતી.

બધાં સુખનો સમય મળતાં ભરે છે દમ ગરૂરીના,

વસંત આવ્યા પછી અહીંયાં હવા સારી નથી હોતી.

વધે છે દુ:ખના બોજા સાથ એક ઉપકારનો બોજો,

બતાવે છે મનુષ્યો દયા સારી નથી હોતી.

કબરમાં જઈને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે,

અહીં 'બેફામ' કોઈ પણ જગા સારી નથી હોતી.

સ્રોત

  • પુસ્તક : માનસર (પૃષ્ઠ ક્રમાંક 34)
  • સર્જક : બરકત વિરાણી ‘બેફામ’
  • પ્રકાશક : સુમન બુક સેન્ટર
  • વર્ષ : 2005
  • આવૃત્તિ : 8