hridayni taswir - Ghazals | RekhtaGujarati

હૃદયની તસવીર

hridayni taswir

કાબિલ ડેડાણવી કાબિલ ડેડાણવી
હૃદયની તસવીર
કાબિલ ડેડાણવી

જોઈ 'કાબિલ'ની ગઝલ રૂપે પ્રણયની તસવીર.

જાણે શબ્દો મહીં ઈશ્વરના હૃદયની તસવીર.

મેં કદી ચીતરી નથી વિરહ-સમયની તસવીર,

નહીં તો જોવાને મળત જગને પ્રલયની તસવીર.

કાં તો સંપૂર્ણ હશે યા તો અતિશયતા-ભરી,

હું સમી સાંજે બનાવું છું ઉદયની તસવીર.

એટલા માટે કદાચિત્ત છે એ સૌથી ઉત્તમ,

એક ડરપોકે બનાવી છે અભયની તસવીર.

જ્યારે-જ્યારે કોઈ નિર્દોષ વદન મેં જોયું,

એમ લાગ્યું કે છે એ તારા હૃદયની તસવીર.

લાગણી કોણ દુભાવે કોઈ હારેલાની,

એટલે દોરી નથી મારા વિજયની તસવીર.

કોઈ દંભીના પરિચયમાં જરા આવ્યો છું,

નિત-નવી જોવા મળી ખોટા વિનયથી તસવીર.

એને સુંદર કોઈ કહેશે, કોઈ કરશે ટીકા,

ના, નથી ખેંચવી કોઈના હૃદયની તસવીર.

એ તો ખુદ ચિત્ર છે રેખાઓ વિનાનું, 'કાબિલ'!

કોણ નાહકની ભલા ખેંચે પ્રણયની તસવીર.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 74)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4