hastarekha - Ghazals | RekhtaGujarati

હસ્તરેખા

hastarekha

આહમદ મકરાણી આહમદ મકરાણી
હસ્તરેખા
આહમદ મકરાણી

સીમ, શેઢો, મોર, ટહુકો ને પછી શું શું ગયું?

ઘર, ગલી, સરિયામ રસ્તો ને પછી શું શું ગયું?

ટેરવે થીજી ગયેલી છે પળો કૈં બર્ફ થૈ–

તાપ, સગડી, સૂર્ય, તડકો ને પછી શું શું ગયું?

તરફડે છે એક પીંછું જોઈને આભને;

ઝાડ, જંગલ, પાંખ, માળો ને પછી શું શું ગયું?

પ્રેત જેવી શૂન્યતા ધૂણે હવે ખંડેરમાં–

શબ્દ, અર્થો, મૌન, પડઘો ને પછી શું શું ગયું?

આટલામાં ક્યાંક મારા દિવસો વસતા હતા–

તોરણો, છત, બારી, પરદો ને પછી શું શું ગયું?

સ્રોત

  • પુસ્તક : હસ્તરેખા (પૃષ્ઠ ક્રમાંક 3)
  • સર્જક : આહમદ મકરાણી
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1994