રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો
હરણ છૂટ્યું
Haran Chhutyu
શયદા
Shayada
હાથ આવ્યું હતું હરણ છૂટ્યું,
હાય, મારું એ બાલપણ છૂટ્યું!
એમનું પણ હવે શરણ છૂટયું,
જિન્દગી છૂટી કે મરણ છૂટ્યું?
પગથી છૂટી જવાની પગદંડી,
એમનું જો કદી રટણ છૂટયું!
મદભરી આંખ એમની જોતાં,
છૂટી વાણી ન વ્યાકરણ છૂટ્યું!
કોઈની આશને ઘરણ લાગ્યું,
કોઈની આશનું ઘરણ છૂટયું!
પણ હતું - એમનાથી નહિ બોલું,
મોતની બાદ પણ ન પણ છૂટ્યું.
સ્વપ્નમાં એમનાથી રસ-મસ્તી,
નીંદ છૂટી ન જાગરણ છૂટ્યું!
એમના પગ પખાળવા કાજે,
આંખથી ફૂટીને ઝરણ છૂટ્યું.
તું અને પાર પામશે એનો?
બુદ્ધિ, તારું ન ગાંડપણ છૂટયું.
કોણ ‘શયદા’ મને દિલાસો દે!
ચાલ, તારું જીવન-મરણ છૂટયું.
સ્રોત
- પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 22)
- સંપાદક : હરીન્દ્ર દવે
- પ્રકાશક : પ્રવીણ પુસ્તક ભંડાર
- વર્ષ : 1961