mari pichhan - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મારી પિછાણ

mari pichhan

રમેશ પારેખ રમેશ પારેખ
મારી પિછાણ
રમેશ પારેખ

ગઝલમાંથી સાંપડશે મારી પિછાણ,

ધુમાડાથી તું મૂળ અગ્નિને જાણ!

રમ્યા'તા કદી કોડીથી એટલે,

હવે સાતે દરિયાઓ માગે છે દાણ.

ઊંટો તારી અટકળનાં એમાં ડૂબે,

છે મારાં આંસુનું એવું ઊંડાણ.

ઊડે નભમાં તારાં સ્મરણના પતંગ,

છે. મારી ઉદાસીની ઉત્તરાણ.

દર્પણમાં ઘર કોઈ બાંધી શકે,

થઈ ના શકે જળની ઉપર લખાણ.

હું માણસ છું - મારી ઓળખ હતી,

હું પથ્થર છું - મારી આજે પિછાણ.

સ્રોત

  • પુસ્તક : ગઝલશતક (પૃષ્ઠ ક્રમાંક 65)
  • સંપાદક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1995