khot wartaya kare - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ખોટ વર્તાયા કરે

khot wartaya kare

ગની દહીંવાલા ગની દહીંવાલા
ખોટ વર્તાયા કરે
ગની દહીંવાલા

જો અડગ રહેવાના નિશ્ચય ધરતીના જાયા કરે,

પડે તો એનું રક્ષણ એના પડછાયા કરે,

માફ કર નિષ્ક્રિયતા, મારાથી બનશે નહીં!

જીવતાં મારી જગતને ખોટ વર્તાયા કરે.

એટલુ ઉન્નત જીવનનું ધ્યેય હો સંતાપમાં,

વાદળી એકાકી જાણે ચૈત્રમાં છાયા કરે.

વિશ્વસર્જક, ઘાટ ને ઘડતરની અવળી ક્રિયા!

તારું સર્જન જિંદગીભર ઠોકરો ખાયા કરે?

આપણે હે જીવ! કાંઠા સમ જવું આઘા ખસી,

કોઈનુ ભરતી સમું જો હેત ઊભરાયા કરે.

જે પૂનમના ચાંદ સમ ચમકે છે તેઓને કહો:

બીજરૂપે પણ નભે કયારેક દેખાયા કરે!

શાંત તોફાન દુનિયાએ કદી જોયુ નથી,

આંખડી વરસી રહે તે કોઈ ભીંજાયા કરે.

આગવી મારી પરાધીનતા ગમી ગઈ છે મને,

કોઈ જિવાડ્યા કરે ને આમ જિવાયા કરે.

જિંદગીનો સાચેસાચ પડઘો છે ‘ગની',

હોય ના વ્યક્તિ, ને એનું નામ બોલાયા કરે.

સ્રોત

  • પુસ્તક : બૃહદ ગુજરાતી કાવ્યપરિચય ભાગ - 2 (પૃષ્ઠ ક્રમાંક 180)
  • સંપાદક : મોહનભાઈ પટેલ, ચન્દ્રકાન્ત શેઠ
  • પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ
  • વર્ષ : 1973