duniya udas lage chhe - Ghazals | RekhtaGujarati

દુનિયા ઉદાસ લાગે છે

duniya udas lage chhe

નાઝ માંગરોલી નાઝ માંગરોલી
દુનિયા ઉદાસ લાગે છે
નાઝ માંગરોલી

તમે નથી તો આ દુનિયા ઉદાસ લાગે છે,

પૂનમની રાતોયે મુજને અમાસ લાગે છે.

અણુ-અણુમાં જગતના તમે નિહાળું છું,

નયનની કીકીમાં તારો નિવાસ લાગે છે.

છિપાવું રૂપ-સુરાની હું પ્યાસ કેમ કરી?

પીઉં છું જેમ વધુ તેમ પ્યાસ લાગે છે.

ખુશી ને શોકનો સંબંધ છે હૃદય સાથે,

હો દિલ ઉદાસ તો દુનિયા ઉદાસ લાગે છે.

નજર-નજરમાં તફાવત છે જોઈ લો કેવો,

નયનને દૂર ને દિલને એ પાસ લાગે છે.

ચમનમાં 'નાઝ' હજી પણ છે પાનખરનો નિવાસ,

વસંત એ તો ફરેબી લિબાસ લાગે છે.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 128)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4