swdham taraph - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સ્વધામ તરફ

swdham taraph

અમૃત ઘાયલ અમૃત ઘાયલ
સ્વધામ તરફ
અમૃત ઘાયલ

નશાના ધામ તરફ મસ્તીના મુકામ તરફ,

નિગાહ છે કે રહે છે સદાય જામ તરફ.

કરી જો બંદગી સાહેબની અદબથી કરી,

વળ્યા હાથ અમારા કદી સલામ તરફ.

ઉઠાવો કોઈ જનાજો જવાન પ્યાસ તણો!

કે મીટ માંડી નથી જાતી ભગ્ન જામ તરફ.

હવે તો દ્રષ્ટિ ફક્ત સાદગીને શોધે છે,

ગયો દોર કે રહેતી હતી દમામ તરફ.

સ્નેહનું રૂપાંતર છે એય પણ ક્યાંથી!

કે એમને હો તિરસ્કાર મારા નામ તરફ.

દીવાનગીમાં અજાયબ મળી ગઈ દ્રષ્ટિ,

કે ફાટી આંખથી જોતા રહ્યા તમામ તરફ.

ગતિ ભણી નજર નોંધતા રહ્યા કાયમ,

કદી ગયા અમે ભૂલથી વિરામ તરફ.

જો હોય શ્રદ્ધા મુસાફરને પૂર્ણ મંજિલમાં,

તો આપમેળે વળે છે કદમ મુકામ તરફ.

હતો મસ્ત પ્રવાસી કરી પ્રવાસ સફળ,

અનોખી શાનથી ‘ઘાયલ' ગયો સ્વધામ તરફ.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 51)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4