dilna tukDa - Ghazals | RekhtaGujarati

દિલના ટુકડા

dilna tukDa

સાબિર વટવા સાબિર વટવા
દિલના ટુકડા
સાબિર વટવા

નજર એ મુજ નજર સાથે મિલાવીને ઝુકાવે છે,

શરમ! વચ્ચે તું આવીને કયામત કાં ઉઠાવે છે!

સદા કાળી નિશાઓને તો હું મુજ દિલથી ચાહું છું,

અલકલટની એ ગૂંચો તો પ્રણય-પાઠો પઢાવે છે.

ચમનમાં જઈ અને નીરખું, ફક્ત સૌંદર્ય ને ચાહના!

મને તો ગુલ અને બુલબુલ મળી બેઉ રડાવે છે.

અવશ્યે યાદ છે મારી: દરદ મસ્તક મહીં ઊઠ્યું,

ઘસીને કોઈ એ માટે જુઓ ચંદન લગાવે છે.

અભિલાષો-ભર્યા દિલને હું મૂકું છું યદિ સામે,

હસીને ગાલ ઉપરનો મને એક તલ બતાવે છે.

અહીં તોબાઓ આવીને પડી છે મુજ ચરણ માંહે,

અને ત્યાં વક્ર-દૃષ્ટિથી સનમ પ્યાલી બતાવે છે.

કહી દો એ રિપુઓને લખે છે ક્યાં ગઝલ ‘સાબિર’,

ચૂણીને દિલ તણા એ તો ફક્ત ટુકડા મિલાવે છે.

સ્રોત

  • પુસ્તક : ધ્રૂજતી પ્યાલી (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સર્જક : ‘સાબિર’ વટવા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1988