kain kyarno aam ja mugdh bani aa mina bajare ubho chhun - Ghazals | RekhtaGujarati

કૈં ક્યારનો આમ જ મુગ્ધ બની આ મીના બજારે ઊભો છું

kain kyarno aam ja mugdh bani aa mina bajare ubho chhun

અમૃત ઘાયલ અમૃત ઘાયલ
કૈં ક્યારનો આમ જ મુગ્ધ બની આ મીના બજારે ઊભો છું
અમૃત ઘાયલ

કૈં ક્યારનો આમ મુગ્ધ બની મીના બજારે ઊભો છું,

લાગી છે કતારો નજરોની, નજરોની, કતારે ઊભો છું.

પ્રત્યેક ગતિ, પ્રત્યેક સ્થિતિ, નિર્ભર છે, અહીં સંકેત ઉપર,

એના ઈશારે ચાલ્યો’તો, એના ઈશારે ઊભો છું.

તારી ગલીથી ઊઠી જવું સાચે નથી મુશ્કિલ કિન્તુ,

તું સાંભળશે તો શું કહેશે! બસ વિચારે ઊભો છું.

દરિયાદિલી દરિયાની, હવા આકંઠ પીવા કેરી મજા,

ચાલ્યા કરું છું તેમ છતાં લાગે છે, કિનારે ઊભો છું.

સમજાતું નથી કે ક્યાંથી મને આવું લાગ્યું છે ઘેલું!

જકારો મળ્યો’તો જ્યાં સાંજે ત્યાં આવી, સવારે ઊભો છું.

સાચે જનાજા જેવી છે, દોસ્ત, દશા મારીય હવે.

કાલે મજારે ઊભો’તો, આજે મજારે ઊભો છું!

જોયા છે ઘણાને મેં ‘ઘાયલ’ ટોચેથી ફેંકાઈ જતાં,

એકાદ ઘડી તો એમ આવીને મિનારે ઊભો છું.

સ્રોત

  • પુસ્તક : વયઃસંધિ (પૃષ્ઠ ક્રમાંક 9)
  • સંપાદક : બાપુભાઈ ગઢવી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2002