chhalna! - Ghazals | RekhtaGujarati

હરણ દઈ, ઝાંઝવાનું જળ દઈ છલના કીધી છે!

જીવનને મોતનું એક છળ દઈ છલના કીધી છે!

નર્યો કપટી છે અંધાધૂંધ ઓગળવાનો ઉત્સવ,

પૂરી લાક્ષાગૃહે, અટકળ દઈ છલના કીધી છે!

જાદુગર લઈને હાથમાં સૂરજ ઊભો છે, પણ -

બધાને આંખમાં વાદળ દઈ છલના કીધી છે!

દિવસ 'ને રાત શોધો તે છતાં કૈં હાથ ના આવે,

ભરી મબલખ ભીતર, ભોગળ દઈ છલના કીધી છે!

તું જેને મુગ્ધતાથી ઓળખે છે શખ્સે તો

પીગળતી પળ સમો કાગળ દઈ છલના કીધી છે!

સ્રોત

  • પુસ્તક : ગઝલશતક (પૃષ્ઠ ક્રમાંક 79)
  • સંપાદક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1999