chashmanna kach par - Ghazals | RekhtaGujarati

ચશ્માંના કાચ પર

chashmanna kach par

રમેશ પારેખ રમેશ પારેખ
ચશ્માંના કાચ પર
રમેશ પારેખ

બેસે ઊઠે - પ્રભાત ચશ્માંના કાચ પર

ને આવે - જાય રાત ચશ્માંના કાચ પર

આવીને સ્વપ્ન જેમ જે પાછાં વળી જતાં

રહી જાય એની વાત ચશ્માંના કાચ પર

ઘર પાસે કંઈક થાય જો પગરવ તો ઊમટે

ઘરની બધી મિરાત ચશ્માંના કાચ પર

સ્થિતિ, પ્રસંગ, શક્યતા, સંબંધ ધસમસે

ઝીલતો રહું પ્રપાત ચશ્માંના કાચ પર

અડકી શકો એવી ક્ષિતિજોની સ્હેજમાં

થઈ જાય મુલાકાત ચશ્માંના કાચ પર

ફૂટી જવાનાં દૃશ્ય ને ફૂટી જવાના કાચ

ઊઠ્યો છે ઝંઝાવાત ચશ્માંના કાચ પર

ઈશ્વરની જેમ લહેરથી ઊંચકી શકું હવે

હું સારી કાયનાત ચશ્માંના કાચ પર

જોઈ લીધું છે, ડોકિયું દર્પણમાં મેં કરી

મારી છે બિછાત ચશ્માંના કાચ પર

સ્રોત

  • પુસ્તક : ક્યાં (પૃષ્ઠ ક્રમાંક 79)
  • સર્જક : રમેશ પારેખ
  • પ્રકાશક : આદર્શ પ્રકાશન
  • વર્ષ : 2007
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ