chashmanna kach par - Ghazals | RekhtaGujarati

ચશ્માંના કાચ પર

chashmanna kach par

રમેશ પારેખ રમેશ પારેખ
ચશ્માંના કાચ પર
રમેશ પારેખ

બેસે ઊઠે - પ્રભાત આ ચશ્માંના કાચ પર

ને આવે - જાય રાત આ ચશ્માંના કાચ પર

આવીને સ્વપ્ન જેમ જે પાછાં વળી જતાં

રહી જાય એની વાત આ ચશ્માંના કાચ પર

ઘર પાસે કંઈક થાય જો પગરવ તો ઊમટે

ઘરની બધી મિરાત આ ચશ્માંના કાચ પર

સ્થિતિ, પ્રસંગ, શક્યતા, સંબંધ ધસમસે

ઝીલતો રહું પ્રપાત આ ચશ્માંના કાચ પર

અડકી શકો ન એવી ક્ષિતિજોની સ્હેજમાં

થઈ જાય મુલાકાત આ ચશ્માંના કાચ પર

ફૂટી જવાનાં દૃશ્ય ને ફૂટી જવાના કાચ

ઊઠ્યો છે ઝંઝાવાત આ ચશ્માંના કાચ પર

ઈશ્વરની જેમ લહેરથી ઊંચકી શકું હવે

હું સારી કાયનાત આ ચશ્માંના કાચ પર

જોઈ લીધું છે, ડોકિયું દર્પણમાં મેં કરી

મારી ય છે બિછાત આ ચશ્માંના કાચ પર

સ્રોત

  • પુસ્તક : ક્યાં (પૃષ્ઠ ક્રમાંક 79)
  • સર્જક : રમેશ પારેખ
  • પ્રકાશક : આદર્શ પ્રકાશન
  • વર્ષ : 2007
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ