kani to chhe ke jethi unchonicho thay chhe dariyo - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કંઈ તો છે કે જેથી ઊંચોનીચો થાય છે દરિયો

kani to chhe ke jethi unchonicho thay chhe dariyo

અમૃત ઘાયલ અમૃત ઘાયલ
કંઈ તો છે કે જેથી ઊંચોનીચો થાય છે દરિયો
અમૃત ઘાયલ

કંઈ તો છે કે જેથી ઊંચોનીચો થાય છે દરિયો;

મને તો આપણી જેમ દુઃખી દેખાય છે દરિયો.

દિવસ આખો દિવસના તાપમાં શેકાય છે દરિયો;

અને રાતે અજંપો જોઈને અકળાય છે દરિયો.

કહે છે કોણ કે ક્યારેય છલકાય છે દરિયો?

લથડિયાં ચાંદનીમાં રાત આખી ખાય છે દરિયો!

ખબર સુધ્ધાં નથી એને, ભીતર શી આગ સળગે છે!

નીતરતી ચાંદનીમાં બેફિકર થઈ, ન્હાય છે દરિયો.

પ્રભુ જાણે, ગયો છે ચાંદનીમાં એવું શું ભાળી!

કે એના દ્વારની સામે ઊભો સુકાય છે દરિયો!

જીવન, સાચું પૂછો તો એમનું કીકીના જેવું છે,

કદી ફેલાય છે ક્યારેક સંકોચાય છે દરિયો!

ઠરીને ઠામ થાવા છે જાણે કે ઠેકાણું,

કે જેનીતેની આંખોમાં જઈ, ડોકાય છે દરિયો!

બડો ચબરાક છે, સંગ એમનો કરવો નથી સારો,

નદી જેવી નદીને પણ ભગાડી જાય છે દરિયો!

ગમે ત્યારે જુઓ ‘ઘાયલ’ ઘૂઘવતો હોય છે આમ જ,

દિવસના શું? ઘડી રાતેય ના ઘોંટાય છે દરિયો!

સ્રોત

  • પુસ્તક : ખુશબૂમાં ખીલેલાં ફૂલ હતાં (પૃષ્ઠ ક્રમાંક 6)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 2004