chandni - Ghazals | RekhtaGujarati

થઈ વધુ સુંદર પ્રસરતાં એના મુખ પર ચાંદની!

ચાંદની બોલીઃ હવે છું હું ખરેખર ચાંદની!

કેવી સુંદર, રમ્ય, ચંચળ ને મનોહર ચાંદની !

રાત થઈ જાઉં, મળે જો જિંદગીભર ચાંદની!

કેવી ઠંડી! કેવી મીઠી! કેવી મદભર ચાંદની!

રાત છે કાળી, છતાં એને મુકદ્દર ચાંદની!

એટલે તો ફૂલ કરમાઈ ગયાં સંધ્યા થતાં!

રાતભર પડતી રહેશે કંટકો પર ચાંદની.

કોઈ ઉજ્જડ બાગમાં વરસી તો મુજ દિલને થયું:

કોઈ પાગલને મળી રમવાને સુંદર ચાંદની!

વ્હેંચણી આવી તો કુદરતમાં નથી મળતી કદીઃ

કોઇને ઘર રાત છે તો કોઈને ઘર ચાંદની!

પાણી પાણી થઈ ગયો સાગર, છતાં ક્યાં છે અસર?

મૂકીને ચાલી જશે, છે કેવી પથ્થર ચાંદની!

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 327)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004