piyar gayeli bharwaDanni gajhal - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પિયર ગયેલી ભરવાડણની ગઝલ

piyar gayeli bharwaDanni gajhal

નયન હ. દેસાઈ નયન હ. દેસાઈ
પિયર ગયેલી ભરવાડણની ગઝલ
નયન હ. દેસાઈ

પનઘટે છલકાતી ગાગર સાંભરે;

દી’ ઊગે ને રોજ સહિયર સાંભરે.

છેડલો ખેંચી શિરામણ માંગતો;

વાસીદું વાળું ને દિયર સાંભરે.

ત્રાડ સાવજની પડે ભણકારમાં;

રાતના થરથરતું પાધર સાંભરે.

ઢોલિયે ઢાળું હું મારો દેહ ને;

બાથમાં લે લેતી નીંદર સાંભરે.

સાંજ ટાણે સાદ ફળિયામાં પડે,

આંખડી મલક્યાનો અવસર સાંભરે.

કાંબિયું ખખડે ને હું ચોંકી ઊઠું;

ઝાંઝરો રણકે ને જંતર સાંભરે.

તાણ ભાભુજીએ કીધી’તી નકર;

કોણ બોલ્યું’તું કે મહિયર સાંભરે?

મા! મને ગમતું નથી ગામમાં;

હાલ, બચકું બાંધ, આયર સાંભરે!

સ્રોત

  • પુસ્તક : નયનનાં મોતી (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સર્જક : નયન દેસાઈ
  • પ્રકાશક : શબ્દોત્સવ
  • વર્ષ : 2005