jo kahun to matr patpat thai raheli pampno chhiye wadhare kain nathi - Ghazals | RekhtaGujarati

જો કહું તો માત્ર પટપટ થઈ રહેલી પાંપણો છીએ વધારે કૈં નથી

jo kahun to matr patpat thai raheli pampno chhiye wadhare kain nathi

અનિલ ચાવડા અનિલ ચાવડા
જો કહું તો માત્ર પટપટ થઈ રહેલી પાંપણો છીએ વધારે કૈં નથી
અનિલ ચાવડા

જો કહું તો માત્ર પટપટ થઈ રહેલી પાંપણો છીએ વધારે કૈં નથી;

ને સમયના દાંત ચોખ્ખા રાખવાનાં દાતણો છીએ વધારે કૈં નથી.

ઊંઘવું કે જાગવું કે બોલવું કે ચાલવું કે દોડવું કે હાંફવું,

બધામાં એકદમ કારણ વગરનાં કારણો છીએ વધારે કૈં નથી.

તું પ્રવાહિતાની જ્યારે વાત છેડે ને તરત હસવું આવી જાય છે,

મૂળમાં તો હિમશિલાની જેમ થીજેલી ક્ષણો છીએ વધારે કૈં નથી.

શી ખબર ક્યારે અને કઈ રીતથી ઢોળાઈ જાશું વિશે કે’વાય નૈં,

આપણે લોહી ભરેલાં ચામડીનાં વાસણો છીએ વધારે કૈં નથી.

સ્રોત

  • પુસ્તક : સવાર લઈને (પૃષ્ઠ ક્રમાંક 20)
  • સર્જક : અનિલ ચાવડા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2012