મારા જ શબ્દ ભેટવા ડગલુંય ના ભરે
maaraa ja shabd bhetvaa dagluny naa bhare
નિમેષ પરમાર
Nimesh Parmar

મારા જ શબ્દ ભેટવા ડગલુંય ના ભરે,
તારાં વિચાર ક્યારનાં ઊભા છે ઊંબરે.
મારો સ્વભાવ સાવ સૂકી વાવ થઈ ગયો,
તારો લગાવ તોય હજી ત્યાં જ ઊતરે.
તારી હથેળી ચીતર્યા પાણી તળાવનાં,
મારી હથેળીમાં હજી તરસ્યાં હરણ ફરે.
મારા બધાય શબ્દ અવાચક બની ગયાં
તારાં લગીર મૌનનાં પડઘાં પડ્યાં કરે..
તારો અભાવ એમ હું આંજું છું આંખમાં
જે રીતે તારી માંગમાં સિંદુર તું ભરે...



સ્રોત
- પુસ્તક : પદ્ય : ઑક્ટોબર-ડિસેમ્બર ૨૦૧૯ અંક ૪ (પૃષ્ઠ ક્રમાંક 21)
- સંપાદક : રવીન્દ્ર પારેખ