kon manshe? - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

દુઃખમાં જીવનની લાણ હતી, કોણ માનશે?

ધીરજ રતનની ખાણ હતી, કોણ માનશે?

શૈયા મળે છે શૂળની ફૂલોના પ્યારમાં!

ભોળા હૃદયને જાણ હતી, કોણ માનશે?

લૂંટી ગઈ જે ચાર ઘડીના પ્રવાસમાં,

યુગ યુગની ઓળખાણ હતી, કોણ માનશે?

ઉપચારકો ગયા અને આરામ થઈ ગયો!

પીડા રામબાણ હતી, કોણ માનશે?

આપી ગઈ જે ધાર જમાનાની જીભને,

નિજ કર્મની સરાણ હતી, કોણ માનશે?

જ્યાં જ્યાં ફરુકતી હતી સૌંદર્યની ધજા,

ત્યાં ત્યાં પ્રણયની આણ હતી, કોણ માનશે?

પાગલના મૌનથી જે કયામત ખડી થઈ,

ડાહ્યાની બૂમરાણ હતી, કોણ માનશે?

કારણ પૂછ પ્રેમી હૃદય જન્મ-ટીપનું,

નિર્દોષ ખેંચતાણ હતી, કોણ માનશે?

બેફામ થઈ ગયું છે મરણ જેના કેફમાં,

જીવન-સુરાની લાણ હતી, કોણ માનશે?

ઈશ્વર સ્વરૂપે જેને જગત ઓળખી રહ્યું,

શૂન્યની પીછાણ હતી, કોણ માનશે?

સ્રોત

  • પુસ્તક : કાવ્ય-કોડિયાં – સંપુટ 4 – ‘શૂન્ય’ પાલનપુરીનાં ચૂંટેલાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 52)
  • સંપાદક : રાજેન્દ્ર શાહ
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ
  • વર્ષ : 1982