na puchho - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અનોખી છે રોનક, અનોખો અમલ છે;

પૂછો અમારાં નયન કાં સજલ છે?

નયન પર ભરોસો રાખીશ ભોળા,

અમી-કૂંપીઓમાં છૂપેલું ગરલ છે.

ગગન, શું ડરાવીશ તું આંખ કાઢી!

સિતારાથી આઘે અમારી મજલ છે.

વસંતોને વાવે વૃથા કોણ આંહીં,

જો વારે ને ફેરે ખિજાઓ ફસલ છે.

તજી દેવી પડશે અચૂક એક વેળા,

ભૂલીશ, તારકતરી પણ તરલ છે.

દરદ ઘૂંટી-ઘૂંટી દવા નિપજાવે;

કવિનું શું દિલ છે, ખુદાઈ ખરલ છે.

પરખાય એનો ભલા ભેદ શાને,

નકલ જો નકલ છે, અસલ જો અસલ છે.

કહે કોણ ‘ગાફિલ' કે ગઝલો લખાતી?

જે ટપકે કલમથી આંસુ ગઝલ છે.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 94)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4