dariyakheDunun yugalgit - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

દરિયાખેડૂનું યુગલગીત

dariyakheDunun yugalgit

તુષાર શુક્લ તુષાર શુક્લ
દરિયાખેડૂનું યુગલગીત
તુષાર શુક્લ

અલી માછણ, તારે આંગણ તારો દરિયો આવી પૂગ્યો રે

દરવાજો ખોલ

અલી માછણ, તારે ઊંબર તારો ચાંદો આવી ઊગ્યો રે,

દરવાજો ખોલ

ઝંખ્યો ત્યારે ડંખ્યો રે, હવે નહિ ખોલું

માગ્યો ત્યારે વાગ્યો રે, હવે નહિ ખોલું

લસલસ તારી કાયા જાણે કાળો આરસપહાણ રે

દરવાજો ખોલ

જોને અઢળક તારી માયામાં મેં અધવચ મેલ્યાં વ્હાણ રે

દરવાજો ખોલ

વાર્યો તો ના માન્યો રે હવે નહિ ખોલું

હવે હાર્યો પાછો આવ્યો રે હવે નહિ ખોલું

અવસર આજે ઉંબર ઊભા અમે તો પાછાં વળશું રે

દરવાજો ખોલ

આજ મળ્યાની વેળા છૂટશે કે દી’ પાછાં મળશું રે?

દરવાજો ખોલ

છાતીમાં છટપટતી જોને માછલીઓ બેફામ તોયે નહિ ખોલું

નસનસમાં હિલ્લોળે લેતું નાળિયેરીનું ગામ, તોયે નહીં ખોલું

તું તો અડકી ચાલ્યો જાય, મારે હૈયે કૈં કૈં થાય

જા હું નહિ ખોલું

જોબન વહેતું થાય, જીવતર ભરતી ઓટમાં જાય

જા હું નહિ ખોલું

મેં તો ઠાલાં દીધાં કમાડ, હવે આવી તું ઉઘાડ જા હું નહિ ખોલું

તો વ્હાલની આડે વાડ, વ્હાલમ, મસમોટાના પ્હાડ

જા હું નહિ ખોલું .

સ્રોત

  • પુસ્તક : રેખ્તા ગુજરાતી માટે કવિએ પોતે પસંદ કરેલી કૃતિ.