parawar - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હું પોતે મારામાં છલકું

પંચામૃતનો મુખરિત પારાવાર.

હું છું મારો ફેનિલ આરો,

ને હું મુજ ઊર્મિલ મઝધાર

પંચામૃતનો સુખરિત પારાવાર.

ફેનફેનના કુન્દધવલ કંઈ

ઘૂઘરના ઘમકાર,

હું છું મારું સ્મિત સ્વરમંડલ,

ને હું મારો અભિહત હાહાકાર:

પંચામૃતનો મુખરિત પારાવાર.

હું મારો વિરહાકુલ પ્રેમી,

હું મારો અભિસાર -

સ્વયં વિવર્તિત, સ્વયં વિસર્જિત,

નશ્વર ને તોફાની તબડક

તરંગના તોખાર:

હું પોતે નિજ રેન સમાલું,

હું મારો અસવાર:

પંચામૃતનો મુખરિત પારાવાર.

ઋતુમય તેજઋચા હું પોતે

હું ઉદ્ગાતા ને હું શ્રોતા,

હું મુજ મંત્રોચ્ચાર:

અનંતમાં લીલામય રમતા

છંદલલિત ઉદગારઃ

પંચામૃતનો મુખિરત પારાવાર

ચેતનમય છલછલ જલઅંબર

ફરફર ફરકે

દૂર જઈ આત્મવિલોપનમાં

સહુ મરકે

મોજમોજનાં ગેબ ગતકડાં,

ક્ષણભંગુરનો ક્ષણ ક્ષણ નવઅવતાર:

મોજાંનો છે રવ,

રવનાં છે મોજાં અપરંપારઃ

પંચામૃતનો મુખરિત પારવાર.

હું મારામાં અસીમ-સીમિત,

અવિરત, ચંચલ,

અકલિત, એકાકાર:

नित्यशिवोडहम् नित्यजिवोडहम्

હું પોતે મારામાં મલકું,

પંચતત્ત્વનો પુલકિત પારાવાર.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 106)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004