ame - Geet | RekhtaGujarati

એક નિરંતર લગન :

અમે રસ પાયા કરિયેં!

એકબીજામાં મગન :

અમે બસ ગાયા કરિયેં!

કોઈ ચાંગળું લિયે, પવાલું

કુંભ ભરે, જો રાજી!

કોઈ કરે છો ને મુખ આડું,

ને ઇતરાજી ઝાઝી!

છાંય હોય કે અગન :

અમે રસ પાયા કરિયેં!

સફર મહીં હો ઉજ્જડ વગડો,

કે નગરો ઝળહળતાં,

યાળ ઉછાળે ખારો દરિયો,

કે ઝરણાં ખળખળતાં;

હવે મુઠ્ઠીમાં ગગન!

અમે બસ ગાયા કરિયેં!

સ્રોત

  • પુસ્તક : બૃહદ ગુજરાતી કાવ્યપરિચય - ૧ (પૃષ્ઠ ક્રમાંક 132)
  • સંપાદક : મોહનભાઈ પટેલ, ચન્દ્રકાન્ત શેઠ
  • પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ
  • વર્ષ : 1973