tolan awaj ghonghat - Free-verse | RekhtaGujarati

ટોળાં અવાજ ઘોંઘાટ

tolan awaj ghonghat

લાભશંકર ઠાકર લાભશંકર ઠાકર
ટોળાં અવાજ ઘોંઘાટ
લાભશંકર ઠાકર

ટોળાં અવાજ ઘોંઘાટ

થિયેટરની બહાર ફૂટપાથ પર

રસ્તા પર બસ-ટર્મિનસમાં બસમાં

ટોળાં અવાજ ઘોંઘાટ

હોટલમાં બગીચામાં પુલ પર નદી પર

અથડાતાં લથડાતાં

ક્યારેક પોલાં અને પાતળાં

ક્યારેક ઘનિષ્ઠ નિરન્ધ્ર : ટોળાં અવાજ ઘોંઘાટ

છે હજી હમણાં છૂટેલાં છેલ્લા શોમાંથી

ધીમે ધીમે ચાલતાં લહેરમાં

કે સાઈકલો પર સરકતાં ટિન્ ટિન્

કે સ્કૂટર લઈ ભાગતાં ઘૂંઊં.....

કે મોટરોમાં સરકતાં અટકતાં ભાગતાં સ્પિડમાં

એકબીજાંથી લગભગ અલગ, લગભગ શા માટે? અલગ

સાવ એકબીજાંથી, બાજુમાં ઘસાઈને અથડાઈને પસાર

થતાં હોવા છતાં અલગ જ, ડબલ સવારીમાં સાઈકલ પર બેઠેલાં

કે રિક્ષામાં ચીપકીને ચપોચપ કે શ્લિષ્ટ ચતુર્ભુજ

પણ સાવ વિશ્લિષ્ટ એકબીજાંથી

અરે પોતાના મનથી પણ મગજથી પણ હાથથી પણ

સાવ અલગ ચાલતાં - અટકતાં - સરકતાં - દોડતાં - ગાતાં - હસતાં -

ઝઘડતાં - બગડતાં - ગગડતાં

ટોળાં અવાજ ઘોંઘાટ

ફૂટપાથો પર છે શું રસ્તાઓ પર છે શું

ટોળાં અવાજ ઘોંઘાટ?

સીડી પર નથી દાદરની? દુકાન પર નથી કાપડની?

છે છે બધે છે ટોળાં અવાજ ઘોંઘાટ

સોસાયટીમાં ટેનામેન્ટ, ઍપાર્ટમેન્ટમાં રૉયલ,

કૉરીડોરમાં કમરામાં ડ્રૉઇંગરૂમમાં સ્ટોરરૂમમાં બેડરૂમમાં

બાથરૂમમાં બારીમાં ટેરેસમાં ધાબામાં

ધરબી ધરબીને ભરાયાં છે કીડિયારાની જેમ ઊભરાયાં છે

બધે બધે

એક ક્ષણ પણ સરકી શકે ચસકી શકે નહીં એવા

ચપોચપ સતત અવિરત એકધારાં વર્ધમાન

ટોળાં અવાજ ઘોંઘાટ

રખડતાં રખડતાં ભસતાં ભીંસાતાં ચૂમતાં ચીખતાં

ગાતાં ગબડતાં બોલતાં બગડતાં વાગતાં વગાડતાં

નાચતાં નસીંકતાં પડતાં પછાડતાં

માતાં માતીલાં મદમસ્ત છકેલાં છૂટી ગયેલાં સખળડખળ

ખખડતાં ઘઘરતાં ઘોરતાં ઘુરકિયાં કરતાં પટકાતાં

પછડાતાં અડવડતાં અડિયલ અઘોરી અગડંબગડં

ચેંચૂડાં ચોર ઘાતકી

બબડતાં સાવ નિર્દોષ બાળક જેવાં સ્વૈર

લબડતાં ઝાડ પરથી લીંબળી-પીંપળી જેવાં

ભોળાં

પણ ક્યારેક વકરતાં - ચકરતાં - અકળાતાં - અથડાતાં

વળ ખાઈને એક થઈ જતાં

મારતાં - તોડતાં - બાળી નાખતાં

શતસહસ્ત્ર બાહુઓથી અટકાવી દેતા યંત્રને અધવચ

લટકાવી દેતા તંત્રને મંત્રની મડાગાંઠમાં

કાંઠને ઉલ્લંઘીને ઊછળતા ઊંચકાતા જનરાશિથી

તણાઈને તૂટી જઈને છોતાં છોતાં થઈને અલગ અલગ થઈને

કરોડો કણમાં વેરાઈને વહી ગયેલાં મનને

એકઠું કરવાની મથામણ કોણે માંડી છે?

‘કાંડી છે, પ્લીઝ’

બીડી સળગશે ચમત્કાર

જ્યોતનો તણખો ચમત્કાર

ધુમાડો નીકળશે ચમત્કાર

ધુમાડાની સેર સ્કૂટરના ધુમાડાને ચોંટી પડશે ચમત્કાર

છીંક ખાતું નાક ચમત્કાર, ખાંસી ખાતું દેડકું ચમત્કાર

ઊઠ જાગ મુસાફિર

ટોળાં અવાજ ઘોંઘાટના સરિયામ કે વાંકાચૂકા

પાકા કે ધૂળિયા

વામ કે દક્ષિણ રસ્તા સિવાય બીજો કોઈ રસ્તો નથી

ઊઠ જાગ મુસાફિર

કાવ્યના વૉટરટાઇટ કંપાર્ટમેન્ટમાં પણ

તારી કલમમાંથી ધોધમાર છૂટી રહ્યાં છેઃ ટોળાં અવાજ ઘોંઘાટ

તું

બેબાકળો થઈને ભટકાઈને ભળી જા

કે બગડીને બળી જા

કે ગબડીને ગળી જા

કે લબડીને લળી જા

કે ચગદાઈને ચળી જા

કે મસળાઈને મરી જા પણ સતત

ઊભાં છે ચપોચપ સરકતા વર્ધમાન

તારા કાગળના કાંઠે, તારી આંખોના ઓવારે

તારા મનના મિનારે: ટોળાં અવાજ ઘોંઘાટ

તારી જીભના ટેરવેઃ ટોળાં અવાજ ઘોંઘાટ

તારી પાંપણના પલકારે ટોળાં અવાજ ઘોંઘાટ

તારી બહેરાશના કૂવામાં ઊંડે ઊંડે ઊછળતાં

ટોળાં અવાજ ઘોંઘાટ

સ્રોત

  • પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 94)
  • સંપાદક : દીપક મહેતા
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
  • વર્ષ : 2008