taslima nasrin mate tran kawita - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તસલીમા નસરીન માટે ત્રણ કવિતા

taslima nasrin mate tran kawita

સરુપ ધ્રુવ સરુપ ધ્રુવ
તસલીમા નસરીન માટે ત્રણ કવિતા
સરુપ ધ્રુવ

1.

તસલીમા!

લોકો

તારું માથું માગે છે ને?

પણ એમને ખબર નથી લાગતી કે

આપણાં કાંડાં, આપણી આંગળીઓ, આપણી કલમ

અને આપણી વિંઝાતી મુક્કી કરતાં વિશેષ

આપણે મન બીજું કશું નથી–કંઈ નહિ!

જડભરતોને જણાવી દેજે કે આપણાં તો

ધડ પણ લડશે, ઝૂઝશે, લખશે.....લખતાં રહેશે.

2.

તસલીમા!

હાંશિયાની બાજુ તું કંઈ એકલી નથી.

અને હાંશિયો તો વધતો જવાનો.

તેમ છતાંય અહીં રહ્યાં રહ્યાંય

આપણે તો લખતાં રહેવાનું છે.

લખતાં રહેવાનું છે......આપણા લીરે લીરા થઈ ગયેલા

પાલવ ઉપર; મેલાં દાટ, ચિંથરેહાલ ફાળિયાની કિનાર પર,

શ્રમિત, ક્લાંત, ખરબચડી રેખાઓ ઉપર,

આવતી કાલનું સપનું જોતી આંખોના પ્રલંબ પટ ઉપર

.....અને પછી તો જોજેને,

આપણાં આંસુ, પસીનો અને લોહીની જ્વાળાઓ

ઝળહળ ઊઠશે રસ્તાઓ ઉપર, દીવાલો પર,

ગામની ગલીઓમાં, શહેરની શેરીઓમાં, ઘરોમાં, બજારોમાં,

ખેતરોમાં, ખાણોમાં, મિલોમાં, કારખાનાંઓમાં.....

પછી તો ડંગરે ડુંગરે ને જંગલે જંગલે ગૂંજી ઊઠશે

આપણાં ગીત, સાગર અને સરિતાની લહેરો ઉપર

વહેતી થશે આપણી વારતાઓ, રેગિસ્તાનની રેત ઉપર

કોરાઈ જશે આપણાં નામ; કાળાં કાળાં વાદળોને

ભેદીને, રૂપેરી કિનાર જેવા ઝળકી ઊઠશે

આપણા હસ્તાક્ષર.

આખા આકાશની ક્ષિતિજો ભરીને આપણે તો

લખતાં રહેવાનું છે.....લડતાં રહેવાનું છે.

3.

તસલીમા!

નદીઓ

આમ સદીઓથી કેમ વહ્યા કરે છે સાવ ચૂપચાપ?

કેમ ડઘાતી બઘવાતી જોયા કરે છે

ઈતિહાસનું અગડંબગડં?

કેમ સાંખી લે છે આતતાયીઓની આવનજાવન?

યુગો સુધી, બસ આમ

કહેવાતી સંસ્કૃતિની સુફિયાણી સાક્ષી બની ને

વહ્યે જવાની નદીઓ???

સિંધું ને સતલજ નાઈલ ને જોડર્ન?

હ્રાઈન ને ડાન્યુબ મિસિસિપિ ને એમેઝોન?

વોલ્ગા ને ગંગા?....

ક્યાં સુધી આમ નીચું ઘાલીને પસાર થતી રહેશે

નદીઓ?

એના બેય કાંઠે ખેલાતી સાપસીડીની રમતને

ક્યાં સુધી બિરદાવતી રહેશે નદીઓ?

જો ને, આપણી બ્રહ્મપુત્ર....

એને કાંઠે ને પેલે કાંઠે

કેવા એકસરખા નાટારંગ ખેલાઈ રહ્યા છે!

ઉપરથી ભલે ભિન્ન લાગે,

પણ કેવી એકસરખી ભાષા

બોલાય છે બંને કાંઠે?!

શસ્ત્રો ને શાસ્ત્રો

બજારો ને વખારો

પ્રતિબંધો ને પ્રહારો.......

કેવાં ધમધમી રહ્યાં છે કહેવાતાં રાષ્ટ્રોનાં

કાળમીંઢ કારાગારો?.......

તરફ અને પેલી તરફ પણ.....

ને નદી?

વર્ષોથી પોતાનાં વક્ષ પર પડંતા

બિહામણા પડછાયાને ભૂંસવા

કેમ ઘસી નથી જતી કાંઠાનો કચ્ચરઘાણ કરતી?

સદીઓથી સડી ગયેલાં, ગંધાઈ ઊઠેલાં સંસ્કારી શબોને

બાળીને ભસ્મ કરવા

ભભૂકી કેમ નથી ઊઠતી હુંકારતી, ફુત્કારતી?

અરે, એનાથી કંઈ થાય તો છેવટે

સુક્કી ભઠ્ઠ થઈને,

ધારદાર રેત રેત થઈને

ભોંકાઈ કેમ નથી જતી ભેંકાર કકળાણ કરતી?

તસલીમા!

ચાલ, આપણે નદી બની જઈએ.

નવી નદી;

ને પછી રચીએ ઈતિહાસની નવી ગતિ.

ચાલ,

છલકાઈ જઈએ, રેલાઈ જઈએ, ઘસમસી જઈએ

લોકોનાં

ધતીંગોને ધમરોળવા

જુઠ્ઠાણાંને જળબંબાકાર કરવા

બંને કાંઠાને એકાકાર કરવા.

ચાલ તસલીમા!

આપણે નદી બની જઈએ.

રસપ્રદ તથ્યો

રચના સંદર્ભ બાંગ્લાદેશના મુસ્લિમ કટ્ટરવાદીઓએ નારીવાદી લેખિકા તસલીમા નસરીન સામે ફતવો બહાર પાડ્યો ત્યારે, એની સાતે બિરદારી દાખવવા આ પત્ર-કાવ્યો રચેલાં. હિન્દીભાષામાં પ્રગટ થતા ક્રાંતિકારી દ્વિમાસિક લોકદસ્તામાં તેનો અનુવાદ છપાયો અને પછી પંજાબીમાં પરચમ દ્વારા પણ અનુદિત થઈને વંચાયાં.

સ્રોત

  • પુસ્તક : સળગતી હવાઓ (પૃષ્ઠ ક્રમાંક 71)
  • સર્જક : સરૂપ ધ્રુવ
  • પ્રકાશક : સંવેદન સાંસ્કૃતિક મંચ
  • વર્ષ : 1995