navaa rangruut - Free-verse | RekhtaGujarati

ગંજાવર લશ્કરના બધા નવા રંગરૂટને

તે મોકલી આપે છે તાલીમ માટે વારા-ફરતી

રોજ એક તાજો રંગરૂટ દિવસ

આવી પહોંચે છે પૃથ્વી પાસે

પ્રશિક્ષણ માટે

ને શરૂ થાય છે અઘરો 'ઍસૉલ્ટ કોર્સ'.

લાંબી હાંફી જવાય તેવી દોડ,

દોરડા વાટે ઊંચી સીધી ભીંત ઉપર ચઢવાનું -

ઠંડી, ગરમી કે વરસાદ… ગમે તે હોય…

શરૂઆતમાં તો એકદમ તાજગીભર્યો હોય છે

રંગરૂટ દિવસ

૫ણ છેલ્લે થાકીને લોથપોથ થઈ ગયેલો દિવસ

મરી મરીને પૂરો કરે છે 'ઍસૉલ્ટ કોર્સ’.

કેટલું વિશાળ લશ્કર હશે એનું કે રોજ નવા નવા રંગરૂટને

મોકલ્યા કરે છે અને તેય હજારો વર્ષોથી.

સ્રોત

  • પુસ્તક : શબ્દના આકાશમાં કૂદકો (પૃષ્ઠ ક્રમાંક 5)
  • સર્જક : સંસ્કૃતિરાણી દેસાઈ
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2010