રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોદુનિયા પર અછાંદસ
વિશ્વ, સંસાર. લોકબોલીમાં
દુનિયા એટલે સમાજ. ‘દુનિયા શું કહેશે’ કે ‘દુનિયાને જ્યારે ખબર પડશે’ એમ કહેવાય ત્યારે દુનિયાના સ્થાને સમાજની વાત થતી હોય છે. અર્થાત લોકબોલીમાં આપણને ઓળખતા લોકો એટલે દુનિયા. કળા દુનિયા વગર અર્થહીન છે, દુનિયા માટે જ છે માટે કોઈ પણ કલાકૃતિમાં દુનિયા બાબત સભાનતા કે સંદર્ભ હોવાના જ. સાહિત્યમાં એટલે જ દુનિયાના અઢળક ઉદાહરણ મળી આવે. જેમકે : તમે નથી તો આ દુનિયા ઉદાસ લાગે છે, પૂનમની રાતોયે મુજને અમાસ લાગે છે. (નાઝ માંગરોલી) ** વદી તૂં દે અરે ઓ આભ! ખલક સારી જ તેં વીંટી, દિઠી છે એવિ તેં દુનિયા! દિલે દિલ પૂર ઝીલે જ્યાં? (હરગોવિન્દ પ્રેમશંકર કવિ) ** એના ઘરની એક બારી મારા ઘર સામે હતી, મારી જે દુનિયા હતી મારી નજર સામે હતી. (ખલીલ ધનતેજવી) ** સાહિત્યના અન્ય પ્રકારોમાં પણ દુનિયાના ઉલ્લેખ સહજતાથી થતા રહ્યા છે : “…એ દિવસો અમારા સુખના હતા. અમનચમનના હતા. અમે બંને એકબીજાના પ્યારમાં મસ્ત હતા. નાજુક ગુલાબકળી જેવી લાગતી આયેશા ધીમે ધીમે પૂરા ખીલેલાં ગુલેગુલાબ જેવી બનતી જતી હતી. એ મને એટલું ચાહતી! અને હું? હું તો એના ઉ૫૨ દુનિયા ફિદા કરવાને તૈયાર હતો….” (ગુલાબદાસ બ્રોકર-વાર્તા -ગુલામદીન ગાડીવાળો) *** “…આજે પોસ્ટઑફિસમાં ગાંડાનું પુરાણ નીકળ્યું હતું. હંમેશાં આવું એકાદ પ્રકરણ છેડીને એના ૫૨ બે-ચાર મિનિટ વાત કરી આરામ લેવાની ટેવ લગભગ બધા જ નોકરવર્ગમાં દારૂની ટેવની જેમ પેસી ગઈ છે. પોસ્ટમાસ્તર છેવટે ઊઠ્યા અને જતાં જતાં કહ્યું : ‘માળું, ગાંડાની પણ દુનિયા લાગે છે! ગાંડા આપણને ગાંડા માનતા હશે અને ગાંડાંની સૃષ્ટિ કવિની સૃષ્ટિ જેવી હશે!…” (પોસ્ટઑફિસ-વાર્તા - ધૂમકેતુ) *** “...નંદનંદન : આ બદલ તો ઊલટો માણસને સરપાવ આપવો જોઈએ. ચિત્રગુપ્ત : સરપાવ તો તમને મળ્યો જ છે! જીવતા અને મૂઆ બાદ પણ દુનિયા તમને દાનવીર કહે છે એટલો સ૨પાવ ઓછો છે? નંદનંદન : વ્યંગ અને કટાક્ષ બંને સમજાય એવી ચીજો છે, પણ એને હું પાપ માનતો નથી. ઊલટું, ગીતાનો સારબોધ જીવનમાં ઉતાર્યાનું વાજબી અભિમાન...“ (જયંતી દલાલ-એકાંકી-સોયનું નાકું) આમ, દુનિયા માટે કળા છે અને દુનિયા કળા માટે પ્રેરક છે. વર્તમાન સમયમાં કળા સામે દુનિયા સાવ જુદાં પ્રકારના આહ્વાન મૂકી રહી છે અને કળાએ એ આહ્વાન પાર પાડીને ટકવાનું છે. સમય સાથેની સ્પર્ધામાં કળાકીય પ્રત્યાયન અસરદાર રહે એ મુખ્ય આહ્વાન છે. અગાઉના સમયની સરખામણીએ આ આહ્વાન જલદ બન્યું છે એના કારણોમાં અભિવ્યક્તિના માધ્યમોમાં આવેલો વિકલ્પોનો ઉછાળ છે. આજથી બસો કે અઢીસો વર્ષ અગાઉ કળાકીય અભિવ્યક્તિમાં આમૂલ પરિવર્તન આવ્યા જ્યારે મહાકાવ્ય અને નાટકો સિવાયની વિધાઓ કળાકીય અભિવ્યક્તિમાં ઉમેરાઈ, ટૂંકી વાર્તા અને નવલકથાના સ્વરૂપના બીજ રોપાયા. અને અગાઉના સ્થાપિત કળાપ્રકારો – મહાકાવ્યો અને નાટકોના વિષયમાં જનસામાન્યને સ્થાન મળવું શરૂ થયું. આ એક ક્રાંતિકારી પરિવર્તન હતું, અગાઉ કેવળ રાજા–મહારાજાઓના પરાક્રમ, ઇતિહાસ કે એમના સુખ દુઃખ જ સાહિત્યના વિષય બનતા હતા – સામાન્ય માણસ સાહિત્યનો વિષય નહોતો. પણ છેલ્લા બસો વરસમાં સામાજિક, ઔદ્યોગિક અને વૈચારિક ક્ષેત્રે થયેલા પરિવર્તનોની અસર દરેક બાબત પર પડી એમ કળા અને સાહિત્ય પર પણ પડી. ઔદ્યોગિક ક્રાંતિની જબ્બર અસર એ થઈ કે કાગળ, શાહી, મુદ્રણયંત્ર શોધાયા અને એ કારણે લેખિત સાહિત્યના પ્રસારના દ્વાર ખૂલ્યા. માત્ર પ્રસારના નહીં બલકે સર્જનની મોટા પાયે જરૂરિયાત ઊભી થઈ. છાપાંઓ જન્મ્યા અને છાપાંઓ માટે નિયમિત લખાણની જરૂર ઊભી થઈ. સમાચાર અને અહેવાલો ઉપરાંત જનસામાન્યને પીરસવા આવશ્યક લખાણોમાં ટૂંકી વાર્તા અને ધારાવાહિક નવલકથાઓ ઉછેર પામી. વૈચારિક ક્ષેત્રે વિશદ પરિવર્તન એ થયું કે વૈશ્વિક ચિંતનમાં, તત્ત્વજ્ઞાનના અભ્યાસમાં ઈશ્વરની સર્વશક્તિમાન તરીકેની ઇજારાશાહી તૂટવા માંડી. માનસશાસ્ત્રનો એક વિષય તરીકે પ્રવેશ થયો અને વિજ્ઞાનના આવિષ્કારથી ઘણા ભેદ, ભરમ, રહસ્યો પરથી પડદા ઉઠ્યા. આ બધાની અસર સરેરાશ પ્રજાની સમજ પર અને તેથી કળાકીય રજૂઆત પર પણ પડી. જો ઈશ્વર વિશ્વનો સૂત્રધાર નથી તો કોણ છે કે કોઈ જ નથી? જેવા નવા પ્રશ્નોએ વિસંગતિ અને ગૂઢવાદને પેદા કર્યા. આ નવા પ્રવાહને સમજવાના પચાવવાના પ્રયાસો દરમિયાન નાટ્ય માધ્યમની સ્પર્ધામાં આવેલા યાંત્રિક દૃશ્ય માધ્યમોએ કળા અભિવ્યક્તિ સમક્ષ નવા વિકલ્પ, પ્રશ્નો અને સ્પર્ધા સર્જ્યા. દુનિયા અને કળાકારો હજી આ પરિવર્તનથી ટેવાય કે સહજ બને એ દરમિયાન છેલ્લા વીસ વરસમાં સંપર્કક્ષેત્રે થયેલ વીજાણુ પ્રગતિ અને ઇન્ટરનેટના આવિષ્કાર – પ્રસારે એક તોફાન સર્જ્યુ. એકલતા, મિલન, વિરહ, મૈત્રી, સંબંધો, સંવાદ અને સભાના રૂઢ પ્રકારો અને વ્યાકરણમાં તોડફોડ થઈ અને આ સહુના ઘણાં વિકલ્પ સર્જાયા. એક બીજાને સદેહે મળ્યા વિના લોકો મિત્ર બને એવી શક્યતાઓ ઊભી થઈ. સ્થળ ત્યાંજ્યા વિના મુલાકાતો શક્ય બની. માહિતી અને સૂચનાઓના માધ્યમનો દરિયો જનસામાન્યને ડૂબાડી દે એ હદે ઉછળવા માંડ્યો. સોશિયલ મીડિયા નેટવર્ક (સમૂહ માધ્યમના સામાજિક [ઇન્ટરનેટ સંચાલિત]મંચ)ના વધેલા પ્રભાવમાં કળા અભિવ્યક્તિ માટે શુદ્ધતા અને પ્રામાણિકતા જાળવવા સબળ પ્રયાસો આવશ્યક બન્યા. અને આ સઘળાં પરિવર્તનની આંધીની અસર લોકોની જીવનશૈલી અને કળા બંને પર પડી રહી છે. હાલ કળાને દુનિયાએ આ સૌથી મોટું આહ્વાન આપ્યું છે કે નવીન માધ્યમ મંચોના જુવાળમાં અભિવ્યક્તિ અને માહિતીના સુનામીમાં ચળ્યા વિના કઈ રીતે ટકી રહેવું.